લાખો ભક્તોનું શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂકેલ ઊંઝા તાલુકાના ઐઠોર ગામના શ્રી ગણપતિ મંદિરે રવિવાર અને ચોથના દિવસે અપાર ભક્તો દર્શનાર્થે પધારતા હોય છે.
મોટાભાગે દરેક ચોથમા પોતાની અપાર શ્રદ્ધાના ભાગરૂપે જશોદાબેન મોદી ઐઠોર શ્રી ગણપતિ દાદાના દર્શનાર્થે પધારતા હોય છે.
આજે અહીં દાદાની વિશેષ પૂજા કરી પછી શ્રી ગણપતિ મંદિર સંસ્થામાં તેમનું સ્વાગત કરી ઓફિસે હાજર પ્રમુખ શ્રી બાબુભાઇ પટેલ,ઉપપ્રમુખ શ્રી મનુભાઈ પટેલ, ટ્રસ્ટી હાર્દિકભાઈ, ગણેશભાઈ, ગોપાલભાઈ અને અન્ય એ તેમને સ્મુતિ રૂપે દાદાનો ફોટો અને પ્રસાદી આપી સન્માનિત કર્યા હતા.
જશોદાબેને અમને ‘unjha samachar’ સાથેની વિશેષ મુલાકાતમાં જણાવ્યા અનુસાર તેઓ 2002 ના વર્ષથી એટલે કે છેલ્લા 23 વર્ષથી એકધારા સળંગ દાદાની સંકટ ચોથના ઉપવાસ આ ઉંમરે પણ કડકપણે કરી રહ્યા છે.
દાદા પર તેમની અપાર શ્રદ્ધા છે.
તેઓ એ વધુમાં કહ્યુ કે, અત્યાર સુધી હું આખા દેશના તમામ મોટા મંદિરે દર્શન કરી ચુકી છું પણ અહીં દાદાના દર્શન કરી જે હળવાશ અનુભવાય છે તેનું વર્ણન શક્ય નથી.
દર શુક્રવારે પણ તેઓ પોતાના પરિવાર સિવાય બહારનું પાણી પણ પીતા નથી.
આ ઉંમરે પણ એક પણ દિવસ ભૂલ્યા વગર સવાર – સાંજ સમયની અનુકૂળતા હોય તેટલા શ્રી ગણેશ મંત્ર, ગણેશ સ્ત્રોત અને ગણેશ પાઠ અવશ્ય કરે છે.
તેમની નોંધપાત્ર સાદગી, ભોળો સ્વભાવ અને બીજાને ઉપયોગમાં આવવાની ભાવના તેમને વધુ મહાન બનાવી રહી છે.
તેમની શ્રદ્ધા અને ભક્તિનું તેજ તેમના ચહેરા પર ચમકતું જોઈ શકાય છે.
23 વર્ષથી અખંડ ચાલતા તેમના દાદાના ઉપવાસ સામાન્ય ભક્તોમાં આદર્શ બની શ્રદ્ધારૂપી પ્રાણનો સંચાર કરી રહ્યા છે. તેમની સારી તબિયતનું રહસ્ય પણ ભક્તિમય જીવનને ગણાવતા હતા.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
