મહેસાણા સાંસદ ફરી એક વખત પ્રજાના વિવિધ પ્રશ્નના નિરાકરણ માટે આગળ આવ્યા છે.રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સરકારીતંત્ર સાચા અર્થમાં લોકાભિમુખ બને તેવો પ્રયાસ છે.રાજ્ય સરકારના આ પ્રયાસને સફળ બનાવવા તમામ નાગરિકો અને સરકારી તંત્રનું યોગદાન જરૂરી છે.મહેસાણા ખાતે આજે યોજાયેલી સંકલન બેઠકમાં સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા શહેર અને જિલ્લાની પ્રજાના વિવિધ પ્રશ્નની રજુઆત કરી ત્વરિત નિરાકરણ લાવવા તંત્રને સૂચન કર્યું હતુઁ.
મહેસાણા શહેરમાં નાગલપુરથી રાધનપુર ચાર રસ્તા સર્કલને જોડતા અંડરપાસની શરૂઆતમાં પડતા બે રસ્તાને કારણે મોટો અકસ્માત સર્જાવાની શકયતા છે.તો આ સ્થળે વાહનવ્યવહાર વધુ હોવાને કારણે અનેક વખત અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી છે.આ સ્થિતિના કાયમી નિરાકરણ માટે તંત્રને યોગ્ય પગલાં ભરવા સાંસદ હરિભાઈ પટેલે રજુઆત કરી હતી.
તો સૌથી વધુ નાગરિકોને સતાવતો પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ નાગરિક કચેરીમાં કામ માટે જાય અને અધિકારી રજા ઉપર હોય તો તેનું કામ થતું નથી.આ કારણે નાગરિકોનો સમય અને નાણાં વેડફાય છે.આવા સંજોગોમાં જ્યારે પણ અધિકારી રજા ઉપર હોય તેવા સંજોગોમાં ફરજિયાત બીજા અધિકારીને ચાર્જ આપી અને નાગરિકોનું કામ ન અટકે તેવી વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું.તો સાથે સાથે નાગરિકોની જે અરજીઓ અને કામ સરકારી કચેરીમાં પેન્ડિંગ હોય તે પણ ત્વરિત પૂર્ણ કરવા સૂચન કર્યું હતું.કોઈ પણ સરકારી વિભાગમાં લાંબા સમયથી કામગીરી પડતર રહે તેવા સંજોગોમાં જાહેર હિત જળવાતું નથી.આવા સંજોગોમાં તંત્ર માટે લોકોમાં ખોટી માન્યતા ઉભી થાય તે પહેલાં જ કામગીરી પૂર્ણ કરવાની બાબત ઉપર સાંસદ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો.તમામ વિભાગો નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી અદા કરે તે પ્રકારનું સૂચન સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું
તો રેલવેને લગત પ્રશ્નના નિરાકરણ માટે સાંસદ હરિભાઈ પટેલે રેલવેના અધિકારીઓને સાથે રાખીને અલગથી બેઠક યોજવાની પણ રજુઆત કરી હતી.રેલવેને લગત પ્રશ્નનું ઝડપી સમાધાન અને નિકાલ થાય તે માટે સાંસદ દ્વારા થયેલી રજુઆતમાં ધારાસભ્ય કિરીટ પટેલ,ધારાસભ્ય સુખાજી ઠાકોર,ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને ધારાસભ્ય સી જે ચાવડાએ પણ સુર પુરાવી આ સમસ્યા પરત્વે ત્વરિત કાર્યવાહી કરવા સૂચન કર્યા હતા.તો ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નને લઈને જ્યારે પણ આ પ્રકારની બેઠકનું આયોજન થાય ત્યારે તલાટીઓના સંકલનમાં રહીને ત્વરિત પ્રશ્નનું નિરાકરણ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.
મહ્ત્વપૂર્વ છે કે આ સંકલન બેઠકમાં મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ,વિજાપુર ધારાસભ્ય સી જે ચાવડા અને બહુચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી અને જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ દ્વારા પણ પ્રજાના પ્રશ્નનું તાત્કાલિક સમાધાન શોધવા તંત્રને સૂચન કર્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
