પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પ્રાગટ્ય દિવસની તા.7 થી 9 નવેમ્બરના રોજ સાધકો દ્વારા ભાવપૂર્ણ ઉજવણી
15 થી વધુ દેશના સાધકોએ સામૂહિક ધ્યાન, પ્રવચનનો લાભ લીધો.
હિમાલયના યોગી સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પ્રાગટય દિવસને સાધકો દર વર્ષે ચૈતન્ય મહોત્સવ રૂપે ઊજવે છે. પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી ચૈતન્યનો અર્થ એ સમજાવે છે કે ચૈતન્ય એટલે પ્રાણશક્તિ. જે પ્રાણશક્તિ નિસર્ગના સાંનિધ્યમાં ગયા બાદ આપણને મહેસૂસ થાય છે અને ચૈતન્ય પામીને આપણને સારું લાગે છે. ચૈતન્ય મહોત્સવ પણ એ ચૈતન્યની યાદને પુનર્જીવિત કરવાનો અવસર છે.
દર વર્ષે ભારતમાં સમર્પણ આશ્રમમાં ચૈતન્ય મહોત્સવની ઉજવણી થતી હોય છે, જ્યારે આ ભારત દેશની બહાર પ્રથમ વખત સિંગાપોરમાં પૂજ્ય સ્વામીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં દેશવિદેશના અનેક સાધકોએ ભાગ લીધો હતો. વૈશ્વિક કક્ષાએ થયેલ આ ઉજવણીમાં 15 થી વધુ દેશના સાધકો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષ કરતાં કંઈક વિશેષ રીતે આ ઉજવણી કરવામાં આવી હતી. તા.7 થી 9 નવેમ્બર દરમિયાન ત્રિદિવસીય ઉજવણી અંતર્ગત પ્રથમ દિને બપોરે 4 વાગ્યે પીજીપી હોલ ખાતે સાધકોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજ્ય સ્વામીજીના પ્રવચન અને ધ્યાનનો સહુએ લાભ લીધો હતો. પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે ધ્યાનમાં નિયમિતતા આવશ્યક છે. રોજબરોજના જીવનમાં ધ્યાનને તમારી નિયમિત પ્રવૃત્તિનો હિસ્સો બનાવો. ગુરુસાંનિધ્ય અમૂલ્ય છે, જ્યારે પણ ગુરુસાંનિધ્ય મળે તેનો લાભ લેવો જોઈએ. ગુરુની સાથે હજારો આત્માની સામૂહિકતા જોડાયેલી હોય છે. ધ્યાન ઉપરાંત પૂજ્ય સ્વામીજીએ સાધકોના વિવિધ પ્રશ્નોનું સમાધાન કર્યું હતું.
પછીના બે દિવસના કાર્યક્રમનું આયોજન સિંગાપોરના સુપ્રસિદ્ધ મરીના બે સેન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. તા. 8 નવેમ્બર એટલે પૂજ્ય સ્વામીજીનો જન્મદિવસ. આ દિવસે સવારથી જ સાધકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સવારે પૂજ્ય સ્વામીજી સાથે પ્રવચન, ધ્યાન અને પ્રશ્નોત્તરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમણે ધર્મ અને અધ્યાત્મ વિશે સમજાવતાં જણાવ્યું હતું કે ધર્મ અને અધ્યાત્મ બંને અલગ છે. ધાર્મિક વ્યક્તિ આધ્યાત્મિક બની શકે છે પરંતુ આધ્યાત્મિક વ્યક્તિ ધાર્મિક બની શકતી નથી. આધ્યાત્મિકતા સમુદ્ર છે જ્યારે ધર્મ એ નદી છે. જેને આપણે ધર્મ સમજીએ છીએ તે ખરેખર ઉપાસના પદ્ધતિ છે. આ વખતની ઉજવણીમાં સમયની સાથે ચાલીને ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પૂજ્ય સ્વામીજીના હસ્તે દીપપ્રાગટ્ય સાથે સ્ક્રીન પર ઓમ આકારમાં અનેક દીવડાઓ સાથે અલગ-અલગ ભાષાઓમાં ઓમ પણ દૃશ્યમાન થયા હતા.
બપોર પછીના સેશનમાં પૂજ્ય સ્વામીજી ટૂંકું પ્રવચન, પ્રશ્નોત્તરી અને ત્યારબાદ સાધકો સાથે ભોજન અને કેક કટિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ દેશના સાધકોએ પૂજ્ય સ્વામીજીને જન્મદિવસની શુભકામના આપી હતી, જેના વિડિયો રેકોર્ડિંગનું સ્ક્રીન પર પ્રસારણ કરવામાં આવ્યું હતું. અંતમાં સાધકોએ ગરબા લઈ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
ત્રીજા દિવસની શરૂઆતમાં ગુરુપુત્ર અમ્બરીષભાઈનું સેશન હતું, જેમાં અમ્બરીષભાઈએ હોમ સેન્ટરનો નવો વિચાર મૂક્યો હતો. ધ્યાનમાં નિયમિતતા કઈ રીતે લાવી શકાય તેના વિશે પણ વાત કરી હતી. ત્યારબાદ પૂજ્ય ગુરુમાના પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે લગ્ન કરવાં કે પછી માતા-પિતા બનવું એ ઋણાનુબંધ પર આધારિત છે. અમુક ઘટનામાં અંતિમ જન્મ હોવાથી પણ માતા-પિતા સંતાનોના સુખથી વંચિત રહે છે, જેથી નકારાત્મક વિચાર ન કરતાં સકારાત્મક વિચાર કરી આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે જણાવ્યું હતું. પૂજ્ય ગુરુમાએ પોતાના શાળાના વિવિધ અનુભવો જણાવ્યા હતા. ત્રીજા દિવસના અંતે સિંગાપુરના લોકો માટે જાહેર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ લોકોએ પૂજ્ય સ્વામીજીના પ્રવચન, ધ્યાન અને પ્રશ્નોતરીનો લાભ લીધો હતો. પૂજ્ય સ્વામીજીએ આત્મા, ધર્મ, યોગ, ધ્યાન વગેરે વિષય પર ખૂબ જ ઊંડાણપૂર્વક જણાવીને નિયમિત ધ્યાન કરવા માટે જણાવ્યું હતું. ચૈતન્યમય અને દિવ્ય વાતાવરણમાં સાધકો માટે આ ત્રિદિવસીય કાર્યક્રમ યાદગાર બન્યો હતો. મર્યાદિત સમય અને સાધકોની સંખ્યા હોવા છતાં કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. કાર્યક્રમનું ગુરુતત્ત્વ યુ ટ્યુબ ચેનલમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ સમગ્ર વિશ્વના લોકોએ લીધો હતો.
ભારતમાં મહુડી, દાંડી, ગોવા,
સૌરાષ્ટ્ર-વાંકાનેર, કચ્છ, નાગપુર, બેંગ્લોર, અજમેર વગેરે સ્થળોએ સ્થિત સમર્પણ આશ્રમો ખાતે મોટી સંખ્યામાં સાધકો જોડાયા હતા ને કાર્યક્રમનો લાભ લીધો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
