ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે શ્રી મહાકાલી માતાજીનું 900 વર્ષ જૂનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં નવરાત્રિ દરમિયાન ગામના વિવિધ ચોકમાં મહિલાઓ ચાંદીના, તાંબાના, માટીના ગરબા તેમજ માંડવીઓ માથે મૂકી ગરબા રમે છે. જેથી મહેરવાડા ગામમાં હજુ પણ મૂળ ગરબાની પરંપરા હજુ પણ જળવાઈ રહી છે .જે જોવા પંથકમાંથી લોકો અચૂક મહેરવાડા આવે છે.
ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે મહાકાળી માતાજીનો પરચો 900 વર્ષ પહેલા મળ્યો હતો .વખતે ત્યાં નાની દેરી બનાવી સમયાંતરે આશરે 150 વર્ષ પહેલા તેની બાજુમાં મોટું મંદિર બનાવ્યું હતું. હાલ હયાત છે.મહાકાળી માતાજીની મૂર્તિ રુદ્ર સ્વરૂપે તથા કાળા પથ્થરની હોય છે. પણ અહીં મૂર્તિ સૌમ્ય સ્વરૂપે તથા સફેદ માર્બલ માંથી બનાવેલી તથા તેનું મુખ થોડું ગામ તરફ ઝૂકતું છે એવું કહેવાય છે. નવરાત્રિ પર્વના નવે દિવસ દરમિયાન ગામના ચાચર ચોકમાં માતાજીના ગરબા રમાય જ્યાં હજુ પણ ગરબાની સંસ્કૃતિ જાળવી રાખી છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગામની મહિલાઓ ચાંદી, તાંબા કે માટીનાં નયનરમ્ય કોતરણી કરેલા ગરબા મહિલાઓ માથે મૂકી ગરબે રમે છે. બેડા સ્વરૂપે જ્યાં ગરબો ઘુમતો હોય ત્યારે તેને નિહાળવાનો લ્હાવો કંઈક અલગ જ છે નોમની રાત્રે અહીં ભવ્ય લોક મેળો ભરાય છે.
જેમાં દર વર્ષે લગભગ એકાદ લાખ લોકો ગરબા જોવા આજુબાજુના પંથકમાંથી ઉમટી પડે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગામ બહાર વસતા તમામ જ્ઞાતિના લોકો નવરાત્રી દરમિયાન ગામમાં અચૂક આવે છે. અને કહેવાય છે કે માતાજીના સાચી શ્રદ્ધાથી દર્શન કરવાથી લોકોના ગમે તેવા અટવાયેલા કામ પૂર્ણ થાય તેવી લોકમાન્યતા છે. ચાલુ વર્ષે નોમનો મેળો તા.11 ઓક્ટોબર 2024 ને શુક્રવારે યોજાનાર છે. ત્યારે શ્રી મહાકાળી માતાજી સંસ્થાન દ્વારા નોમની રાત્રિ દરમિયાન ભરાતા મેળાની તડામાર તૈયારીઓ કરાઈ છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
