આખા દેશમાં ખૂણે-ખાચરે પણ એકેય ગામ એવુ નહિ હોય જ્યાં મંદિર નહિ હોય.
થોડા દિવસ પહેલા જ ભારતભરમાં ગણેશચતુર્થીનો 10 દિવસય મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ ગયો.
અહીં વાત કરીશું જગતભરમાં ગણેશ ભક્તો માટે પ્રચલિત પ્રથમ પૂજનીય શ્રી ગણેશધામ એવા ઐઠોર ગામની,,!!
ઐઠોર શબ્દનો આમ સીધો કોઈ ખાસ અર્થ થતો નથી અને મારી સમજ મુજબ હજુ સુધી કોઈ પણ ગામનુ નામ ઐઠોર સાંભળ્યું નથી,
તો પછી આ બધા અપવાદોને બાદ કરતા આ ગામનું નામ ઐઠોર જ કેમ પડ્યું?
મેં લોકમુખે સાંભળેલ અને દંતકથા મુજબ આ નામ પડવાના રહસ્યનો છેડો છેક ભગવાન શિવ સુધી પહોંચે છે.
પ્રાચીનકાળમાં દેવરાજ ઇન્દ્રના લગ્નની જાન જોડાઈ એમા બધા જ દેવોને આમંત્રણ હતું પણ ગણપતીની વાંકી સૂંઢ, મોટુ પેટ, ભારે શરીર અને વિચિત્ર જેવો દેખાવના લીધે જાણી જોઈને તેમને ટાળી દેવામાં આવ્યા, પરિણામે દાદાના ગુસ્સાના પ્રકોપ સ્વરૂપ ઐઠોર ગામે પહોંચતા ઇન્દ્રદેવના રથના પૈડાં તૂટી ગયા.પોતાની ભૂલ સમજાતા બધા દેવોએ દાદાને રિઝવવા 33 કોટી દેવતાઓની પૂજા કરી. આજે પણ પુષ્પાવતી નદી કિનારે એ જગ્યાએ પ્રાચીન અવસ્થાનું મંદિર હયાત છે.
જાણકારી મુજબ તે 33 કોટી દેવતાઓનું પૃથ્વી પરનું એક માત્ર સ્થાન છે.ત્યારબાદ દાદાને સાથે રાખી જાન આગળ વધી.આ જગ્યાએ દાદાને થાક લાગતા ભગવાન શિવે તેમને ‘અહીં ઠહેર’ એમ કહ્યુ. આ શબ્દ લાંબા સમયે ઐઠોર થઇ ગયો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
