શ્રી ઐઠોરા ગણેશનું મંદિર ગુજરાત ભરમાં હાલ પ્રખ્યાત તીર્થંધામ બની ચુક્યું છે. લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે દર્શન કરી ધન્ય બને છે.
આશરે 1200 વર્ષ જુનું સોલંકી સમયનું આ મંદિર દાદાના અનેક ચમત્કારો સાથે સંકળાયેલું છે.
1984 માં મંદિરની નવા સાર્વજનિક ટ્રસ્ટની રચના સાથે સૌ પ્રથમ પ્રમુખ બનીને 15 વર્ષ એકધારા પ્રમુખ પદ પર રહી ઓછી આવકમાં પણ મંદિરના વિકાસ માટે ચારે બાજુ પ્રયત્ન કરનાર અને હાલમાં પણ ઉપપ્રમુખ પદ પર રહી અમૂલ્ય અનુભવરૂપી સેવા આપનાર ઉત્સાહી શ્રી મનુભાઈ રામાભાઇ પટેલ (સુણકા) ની મંદિર વિશેની લોકવાયકા, વડીલો અને ભક્તોના મોઢે સાંભળેલી અમને જણાવેલી આજના દિવસની એક ચમત્કારીક સત્ય ઘટના અહીં રજુ કરીએ છીએ.
મનુભાઈએ અનેક જગ્યાએ સાંભળેલી વાતો મુજબ આશરે 400 વર્ષ પૂર્વે મહા વદ ચોથની મોડી રાત્રે ઐઠોરના પ્રાચીન શ્રી ગણપતિ મંદિરના શિખર પર સોનાથી શણગારેલ – મઢેલ (Gold pleted) ઘડાને બહારના ચોર આવીને ચોરી ગયા, પણ દાદાની દિવ્ય હાજરી સ્વરૂપે તેઓ રેલવે સ્ટેશન (ભોંઠા) બાજુથી આગળ વધતા ઐઠોરની જમીનમાર્ગી સરહદ ઓળંગતા જ તે બધાને આંખે દેખાતું બંધ થઇ જતુ અને પાછા ઐઠોરની સરહદમાં આવે તો આંખે દેખાવાનું ચાલુ થઇ જતુ.
આમ વહેલી સવાર સુધી ચાલ્યા કર્યું.
ચોર કોઈ પણ ભોગે આવેલ ચોરીનો માલ જવા દેવા તૈયાર નહોતા પણ દાદાનો દિવ્ય પરચો સમજી ગભરાઈ ગયા અને તે ઘડાને ત્યાં જ મૂકીને ત્યાંથી ભાગી ગયા.
અજવાળું થતા મૂળ ઐઠોર ગામના ગામ તળાવની બાજુમાં પોળવાસમાં રહેતા ઠાકોરભાઈ ત્યાં તે સમયે ખેતરમાં છાપરું કરીને રહેતા, તેમને વહેલી સવારે ઉઠતા આ ઘડો પડ્યાની જાણ થતા તેઓ ગામના અગ્રણીઓને આ વાતની જાણ કરી.
સૌ ભાવુક થઇ દાદાનો પરચો માની પોતાનો કામધંધો, દુકાન બંધ રાખી મોટી શોભયાત્રા કાઢી સન્માન પૂર્વક તે ઘડાને ગામમાં લાવી ફરીથી મંદિરમાં મુકવામાં આવેલ.
સમય વીતતા મંદિર નવા સ્વરૂપમાં ફેરફારો પામી નવું બનાવવામાં આવ્યું.
ત્યારથી માંડી આજ સુધી તે મહા વદ પાંચમની દાદાના ચમત્કારીક પરચાને કાયમી યાદ રાખવા દર વર્ષે આ તિથિ એ આખા ઐઠોરના ગ્રામજનો પ્રેમથી ગામનું બજાર, દુકાન, ઘંટી, ગલ્લા બધુ આખો દિવસ બંધ રાખે છે.
લાખો લોકોની શ્રદ્ધાના કેન્દ્ર સમા ડાબી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશ સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
